Thursday, October 23, 2008

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા
sandesh gujarati daily
ઈંદોર, મુંબઈ,તા. ૨૩
ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથોની સંડોવણીની શંકાના સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણ શખસોની અટકાયત કરીને મુંબઈમાં પૂછપરછ આરંભી છે.બીજી તરફ આજે સંસદમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે હિન્દુવાદી સંગઠનોની આતંકવાદી કૃત્યોમાં સંડોવણીનો આક્ષેપ કરતાં ભારે હંગામો મચી ગયો હતો.
ટોચના પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે એક ગ્રીન ઓપરેશન દ્વારા ઈંદોરમાંથી શ્યામલાલ, દિલીપ નાદુર અને ધર્મેન્દ્ર બૈરાગીને ૧૯મી ઓક્ટોબરે અટકાયતમાં લીધા હતા. બોમ્બ ધડાકાની તપાસમાં સહાયરૃપ થવા એક મોટરસાઈકલની ચોરીના સંદર્ભમાં ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. વર્તુળોએ જણાવ્યું હતું કે આ ત્રણેય શખસોએ માલેગાંવ ધડાકા માટે ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ ચોર્યાની શંકા છે. પાછળથી આ ત્રણેયને મંબઈ લઈ જવાયા હતા અને ત્યાં તેમની સઘન પૂછપરછ કરાઈ રહી છે તેમ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણને ઝડપ્યાઃ સંસદમાં હોબાળો
મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે માલેગાંવ અને મોડાસામાં થયેલા બોમ્બ ધડાકામાં હિંદુ ઉગ્રવાદી જૂથોની કહેવાતી સંડોવણીની તપાસ ચાલુ છે. આ બંને બનાવોમાં મોટરસાઈકલો ઉપર બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે માલેગાવમાં બોમ્બ બ્લાસ્ટમાં જે મોટરસાઈકલ ઉપયોગમાં લેવામાં આવી હતી તે મોટરસાયકલ આ ત્રિપુટીએ જ ચોરી હતી. મોડાસામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું અને માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં.
દરમિયાનમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે આજે સંસદમાં આક્ષેપ કર્યો હતો કે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં હિન્દુવાદી સંગઠનો નાંદેડ સહિતનાં સ્થળે થયેલા બોમ્બ ધડાકાઓમાં સામેલ છે તેવી માહિતી મહારાષ્ટ્ર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આપી છે. કરાતના આ આક્ષેપ સાથે જ હોબાળો મચી ગયો હતો અને ભાજપના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. સામે સમાજવાદી પાર્ટી સહિતના અન્ય પક્ષોના સભ્યો કરાતના સમર્થનમાં ઉતરી આવતાં ભારે ગરમાગરમીનો માહોલ જામી ગયો હતો. અગાઉ એક અંગ્રેજી અખબારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઈન્દોરનું હિન્દુ જાગરણ મંચ નામનં સંગઠન આ બોમ્બ ધડાકાઓમાં સામેલ છે.