ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી
મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો
કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .
જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=278
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ભાઇ ખૂબ જ મજા આવી... જો બધી ધણીયાળી આમ કરશે તો બિચારા ધણીનું શું થશે... ખૂબ જ સરસ...
ખૂબજ સરસ. મારી પત્ની આ વાંચી ના જાય તો સારું . નહિંતર મારું તો આવી જ બનશે. મારી પોલ ખોલવાનું તેને માટે સરળ બની જશે. સરસ. અભિનંદન
Post a Comment