Tuesday, May 08, 2012

લિવ ઈન રિલેશનશિપ ને લીધે ભાંગી રહ્યા છે સંસાર

મુંબઈમાં ત્રણ સંતાનોની માતાનું ઘર તૂટતા હાઇકોર્ટનું તારણ

લિવ ઈન રિલેશનશિપને લીધે સંસાર ભાંગી રહ્યા છે એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે એક અરજીની સુનાવણીમાં વ્યક્ત કર્યો હતો.લિવ ઈન રિલેશનશિપને લીધે વિવાહ સંસ્થા જોખમમાં આવી પડી છે. બલકે, તેને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે, એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે વ્યક્ત કર્યો હતો. ભરણપોષણ મળે તે માટે એક મહિલાએ દાખલ કરેલી અરજી પર આદેશ આપવા સમયે કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું.ગત ૨૫ વર્ષથી એકમેકથી અલગ રહેતા આ વિવાહિત દંપતીએ પરસ્પર તડજોડથી આ સમસ્યાનું નિવારણ લાવવું એવી સલાહ પણ આ સમયે કોર્ટે તેમને આપી હતી.

અરજીકર્તા મહિલાનો પતિ રેલવેમાં નોકરી કરી રહ્યો છે. તેની પાસેથી દર મહિને મહિલાને R ૯૦૦૦થી R૧૦,૦૦૦નું ભરણપોષમ મળે એવી માગણી મહિલા દ્વારા અરજીમાં કરવામાં આવી હતી.જોકે તેના પતિએ તેની માગણી ફગાવી દીધી હતી. હું એક અન્ય મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહું છું. મને ત્રણ સંતાન પણ છે. તે જ રીતે હું મારાં માતા- પિતાની પણ સંભાળ લઈ રહ્યો છું. આને કારણે પત્નીને ભરણપોષણના સ્વરૂપમાં આટલી મોટી રકમ આપી શકું એમ નથી એવું તેણે પત્નીની માગણી નકારતાં જણાવ્યું હતું.

લિવ ઈન રિલેશનશિપમાં રહેવા છતાં ત્રણ સંતાનને જન્મ આપ્યો તે વિશે પણ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ પછી આ પ્રકારની રિલેશનશિપને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે એવો મત વ્યક્ત કર્યો હતો.અરજીકર્તા મહિલાનાં લગ્ન ૧૯૮૭માં થયાં હતાં. તે સમયથી તેનો પતિ એક અન્ય મહિલા સાથે લિન ઈન રિલેશનશિપમાં રહે છે.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=

No comments: