Tuesday, July 08, 2008

મુસિલમ પર્સનલ લો અને હિન્‍દુ મેરેજ એક્ટ

ભાજપ અને હિંદઓ દ્વારા વારે ઘડીએ મુસ્લિમ પર્સનલ લો ને નાબુદ કરવાની માંગ કરવામાં આવે છે, જાણે હિંદુઓને એના દ્વારા પરાણે મુસલમાન બનાવાતા હોય !
મુસલમાનોની આંતરિક બાબત નિકાહ માટે આ આંતરિક વ્‍યવસ્‍થા છે, એમાં કોઇ બીજાને વિરોધ હોય એ જ ખોટું છે,
કહેવામાં આવે છે કે દેશના દરેક નાગરિક માટે સરખો કાયદો હોય ?
તો ભાઇ, આસામ, નાગા અને અન્‍ય ઘણા રાજયોના નિવાસીઓ માટે ઘણી છુટછાટ આપણા બંધારણમાં છે.
અને નવાઇની વાત એ છે કે હિન્‍દુ મેરેજ એક્ટ પણ આપણા દેશમાં કાર્યરત છે.
હમણા જ સુપ્રિમ કોર્ટ દ્વારા આ ધારા પર કડક ટીપ્‍પણી કરવામાં આવી હતી, જે સુ. કોર્ટ અત્‍યાર સુધી ફકત મુસ્લિમ પર્સનલ લો ને જ ખતમ કરવાની તરફેણ કરતી હતી, ( બંધારણ ને સુધારવાનું એનું કામ નથી છતા ) એણે હવે બીજું પાસું પણ સ્‍પષ્‍ટ કર્યુ છે, અને તે પણ સારી રીતે ...
આવું વિધાન તો મુસ્લિમ પર્સનલ લો વિશે કે મુસ્લિમ મેરેજ એકટ વિશે હજુ સુધી કોઇએ હર્યું નહિ હોય.
વાંચો થોડા દિવસ પહેલાં આવેલા આ સમાચાર ..

હિન્દુ મેરેજ એક્ટથી કુટુંબપ્રથાને ખતરો
નવી દિલ્હી, તા. ૧૭
અદાલતોમાં છૂટાછેડાના કેસોના વધતા જતા ભરાવા અંગે ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે આજે એવું અવલોકન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટે દેશમાં કુટુંબપ્રથાને વધુ મજબૂત કરવાને બદલે તેને વધારે હાનિ પહોંચાડી છે. જસ્ટિસ અરિજિત પસાયત અને જસ્ટિસ જી. એસ. સિંઘવીની વેકેશન બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે, "હિન્દુ મેરેજ એક્ટે જેટલાં ઘર જોડયા છે તેના કરતાં વધારે તોડયાં છે." સુપ્રીમ કોર્ટે એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે દેશમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાની હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંતર્ગત ભાંગતા પરિવારોનાં બાળકો પર વિઘાતક અસરો પડે છે.
"આ કાયદાએ જેટલાં ઘર જોડયાં છે તેના કરતાં વધારે તોડયાં છે"
૧૯૫૫માં ઘડાયેલો હિન્દુ મેરેજ એક્ટ કે જેમાં ૨૦૦૩ સુધી કેટલાક સુધારા થયા હતા તે હિન્દુ લગ્નની માન્યતા, છૂટાછેડા અને વૈવાહિક અધિકારો પરત લેવા અંગેની વિવિધ જોગવાઇઓ ધરાવે છે, જે પૈકી છૂટાછેડાનો ખ્યાલ એક બ્રિટિશ કાયદાથી પ્રેરિત છે. સુપ્રીમની બે જજની બેન્ચે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે."
છૂટાછેડા લીધેલા એક પુરુષે તેના બાળકનો કબજો મેળવવા માટે દાખલ કરેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ અવલોકનો કર્યા હતાં. બાળકના અલગ થયેલા માતા-પિતા દ્વારા કરાતી દલીલો વચ્ચે બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
બેન્ચે ઉમેર્યું હતું કે, આ કેસમાં બાળકના પિતા (ગૌરવ નાગપાલ) અને માતા (સુમેધા નાગપાલ) એવા અરજદાર અને સામેવાળાના આરોપ-પ્રત્યારોપ કરતાં તેને (બેન્ચને) બાળકના ઉત્કર્ષની વધુ ચિંતા છે. જસ્ટિસ પસાયતે કહ્યું કે, "છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત ઔર વધી જાય છે, ખાસ કરીને તેના લગ્ન વખતે."
પતિ કે પત્ની લેપ્રોસી (રક્તપિત્ત) કે કોઇ માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા માન્ય રાખતી હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંગે સુપ્રીમની બેન્ચે દુઃખ સાથે ઉમેર્યું હતું કે, કેટલાંક દંપતીઓ દ્વારા આ જોગવાઇઓનો દુરુપયોગ કરવામાં આવે છે. અગાઉના જમાનામાં વૈવાહિક વિખવાદો ઘરની ચાર દીવાલોની અંદર જ ઉકેલાઇ જતા હોવાનું અવલોકન કરતા બેન્ચે જણાવ્યું હતું કે, આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.
નાગપાલ દંપતીના કેસની વધુ સુનાવણી સુપ્રીમે આવતી કાલ સુધી મુલતવી રાખી હતી.
કટાક્ષપૂર્ણ અવલોકનો
લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે.
સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત વધી જાય છે.
પતિ/પત્ની લેપ્રોસી કે માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા મંજૂર રાખતી જોગવાઇઓનો દુરુપયોગ થાય છે.
આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.